અંગાર ભાગ ૧,૨ અને ૩...
પ્રસ્તાવના વિશે...
પ્રથમ સુરેશ દલાલ સાહેબે નવલકથાની સપ્તપદી (અશ્વિની ભટ્ટ સાહેબની સાતમી નવલકથા) અંગાર અંગેના રસપ્રદ તથ્યો કહ્યા છે અને અશ્વિની સાહેબના લેખન અંગે લખ્યું છે. ત્યારબાદ અશ્વિની સાહેબે અંગાર વિશેનો આછો ખ્યાલ આપતા થોડા વાક્યો કહ્યા છે. જો પ્રસ્તાવનામાં લખેલી વાતોનુ પૃથક્કરણ કરી સંદર્ભલેખ બનાવામાં આવે તો ચોક્કસ ભાગ ૧ના કદ જેટલો જ સંદર્ભગ્રંથ બની શકે, પ્રસ્તાવનામાં જ તેમણે ઓછામાં ઘણું કહી દીધું છે કે તેનો મર્મ તારવવા જાવ તો માણસના વર્તન, આદતો, માન્યતા અને એની શૈલીઓનો મૂળ પાયો મેળવી શકાય. ગંભીર અને ચિંતનાત્મક શબ્દોના સઘળા ઉપયોગથી નવલકથાનું આછું દ્રષ્ટાંત વાચકને કુતૂહલ પમાડનારું બને છે, જાણે કોઈ ફિલ્મનું ‘ટ્રેલર’ જોતાં હોય એમ પ્રસ્તાવના રજૂ કરી છે. અંગાર વિશે અશ્વિની સાહેબે પ્રસ્તાવનામાં જે જણાવ્યુ એ મેં વારંવાર વાંચી જોયું. હું જેટલી વાર તે વાંચું છું એટલી વાર મને એમાં એક નવું ‘પર્સેપ્સન’ જોવા મળે છે. કેટલાક શબ્દોનો એક્ચ્યુયલ અર્થ શું નીકાળવો એ હું હજુ સમજી નથી શક્યો. તો પણ પ્રસ્તાવના જેટલી સમજાઇ એનાથી નવલકથા તો રસપ્રદ લાગે જ છે પણ માણસાના મૂલ્યો અને માન્યતા પર કાળ ક્રમે બનતી ઘટના-દુર્ઘટના પરથી જે વલણો ઓન્સર્યા છે, તેના પડઘા અને પ્રતિબિંબોનો ખ્યાલ તારવી શકાય છે.
નવલકથા વિશે...
અંગાર સૌપ્રથમ ૧૯૯૩માં રજૂ થઈ હતી. ધર્મના નામે થતાં પ્રપંચો અને તેની પાછળ ચાલતા ગોરખધંધાઓમાં કેવી રીતે એક પ્રબુદ્ધ માણસ સંડોવાય છે, ‘ને કેવી રીતે સામાન્ય માણસો પર એની અસર થાય છે. તેની વાત થઈ છે. આ પંડાઓમાંથી ઉપસતા ઘૃણાસ્પદ-ભયાનક પરિણામોની વાસ્તવિકતા સમી ગાથા એટલે અંગાર.
હંમેશની જેમ કથાના પાત્રો-સ્થળ બારીકાઈથી લખાયા છે. અશ્વિની સાહેબ એમની નવલકથામાં પોતાની અનોખી સૃષ્ટિ ઊભી કરે છે, જે વાસ્તવિક વિશ્વ જેવી જ હોય છે. વિશેષ આ કથામાં પાત્રોનો ભૂતકાળ એ રીતે અંકાયો છે જેથી કથામાં અગાઉની ઘટનાઓ અધૂરા રહી ગયેલા ટાંકાઓ સાથે જોડાય છે. પાત્રોનો ઇતિહાસ વિસ્તૃત છે. જે જાણ્યાબાદ વાચકને લાગી શકે કે તે એ વ્યક્તિને(પાત્રને) રૂબરૂ ઓળખે છે. કથાના મુખ્ય પાત્રો શચિ-ઈશાન છે. છતાં જે અદ્ભુત ઇતિહાસ સરોજ-મોહનનો વર્ણવ્યો, તે સવિશેષ છે. ‘ઝીરો ટુ ટોપ’ કેવી રીતે ભગવાન અવનિશ-મા યોગકૃષ્ણા મહંત બને છે તે, અને એમના જીવનનો સંઘર્ષ આ કથાને કુતૂહલાત્મક બનાવે છે.
ભાગ ૧: મુંબઈથી શરૂ થતી ટ્રેનની મુસાફરીમાં અજાણ્યા શચિ-ઈશાન એકબીજાના પરિચયમાં આવે છે. બીજી તરફ દેવરાજ, હરિચેતન, ઈન્સ્પેકટર જયકર શાહ, શિવાની, વિક્રમ અને વિશ્વભારતી, જેવા પાત્રો રજૂ થાય છે. ભાગ ૧ રહસ્યમય પત્ર પાછળની જીવલેણ ઘટનાઓ પ્રસ્તુત કરે છે. ભાગ ૧ વાચકને આશ્રમ અને તેની સાથે જોડાયેલા પાત્રો અને વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ અપાવે છે.
ભાગ ૨: ભાગ ૨ આશ્રમ અને તેના ટ્રસ્ટીઓનો ઇતિહાસ જણાવે છે. દેશ માટે આ સંસ્થા કેવી ભયરૂપ બની જાય છે એ દર્શાવવામાં આવ્યું છે. ખૂન, ફાઇટ્સ, શાશન, બળાત્કાર, ડ્રગ્સ, પોલીસ, પૈસા-મિલકતોના સોદા, પોર્નોગ્રાફી, વગેરે ભાગ ૨નો પ્લોટ છે. આ ઘટનાઓના થકી રહસ્ય અને જુગુપ્સા જન્મે છે, જે આપણને લઈ જાય છે, ભાગ ૩ તરફ...
ભાગ ૩: વિદેશ, ત્યાંની રહેણી-કરણી, પ્રદેશ-પ્રચાર ભાગ ૩નું બૅકગ્રાઉન્ડ છે. મિલકત-માફિયા, એફ.બી.આઇ., સી.આઇ.એ., ડ્રગ્સ, અવનિશ-સ્ત્રીઓ, દંભ, વાસના અને સંબંધોની સુગ્રાહિતના છેડે છેડે ભાગ ૩ સમગ્ર અંગારને પૂર્ણ બનાવે છે.
આ નવલકથાનો ઉપપાઠ છે. સવિશેષ વાત હવે ચાલુ થાય છે. જે અશ્વિની સાહેબની સૌ રચના કરતાં અંગારને નોખી પાડે છે. આ નવલકથામાં અવનિશ એક એવું પાત્ર દેખાડવામાં આવ્યું છે જે જ્ઞાની છે. તર્કશાસ્ત્રી, પ્રોફેસર, લેક્ચરર અને સિદ્ધાંતવાદી છે. તેના વ્યક્તિત્વમાં લોકોને(ખાસ કરીને સ્ત્રીઓને) આકર્ષવાની અસાધારણ શક્તિ હોય છે. ધર્મના નામે છળ કરી લોકોને લૂંટતા બાવાઓ કરતાં આ બાવો થોડો જુદો છે. તે ધર્મના નામે કોઈ પૈસા લેતો નથી. અવનિશ જ્ઞાની અને સુશિક્ષિત છે. પોતાના શબ્દોની વાકછટાથી અન્યને મંત્રમુગ્ધ કરી દેવાની તેનામાં અકલ્પ્ય તાકાત છે. અવનિશના ચહેરા પર અજબની ચમક હોય છે, તેની આંખોમાં હિપ્નોટિક તેજ હોય છે. કહાનીમાં જે વળાંક આવે છે એ આપણને ખરી વાસ્તવિકતા તરફ દોરી જાય છે.
અવનીશનું વક્તવ્ય મોટાભાગે તર્કબદ્ધ, આકરું, રમૂજી, લોકમાન્યતાને પડકારરૂપ, બીભત્સ અને સચોટ હોય છે. અવનિશના કેટલાક ભાષણો વાચકને વિચારમય કરી મૂકે એવા છે પણ આ વિચારો ટૂંકાગાળાના હોય છે. તેમાં દીર્ઘ તર્ક હોતું નથી, ઝાઝી યથાર્થતા હોતી નથી. ભલે, પણ અવનીશનું વક્તવ્ય એવું અદ્ભુત છે કે તેની વાતો-વિચારો જ્યારે કોઈ વાંચે તો એ વિષય અંગે મનમાં ચર્ચા શરૂ કરવા લાગે.(આવું વ્યકતીગત રીતે મેં અનુભવ્યું છે માટે કહી રહ્યો છું.) આ પાત્રને આલેખવું, આવા વ્યક્તિત્વને નવલકથામાં ઉતારવું સરળ વાત નથી. અવનિશના વ્યક્તિત્વને જે બારીકાઈથી રજૂ કર્યું છે તે ખરેખર અસામાન્ય બાબત છે. આ એક પાત્રના કારણે અંગાર અન્ય નવલકથાઓથી જુદી તરી આવે છે.
અંગારમાં રોમાન્સ: રોમાન્સ જોવો અને વાંચવો એમાં તફાવત છે. જો વાચક પાસે લખાણને કલ્પવાની/અનુભવવાની શક્તિ હોય તો તે રોમાન્સની ભાવના સમજી શકે છે. ‘ને વાત આવે જ્યારે અશ્વિની સાહેબના રોમાન્સ રાઇટિંગની તો વાચકને પાત્રોના વખાણની, પ્રેમની અનુભૂતિ ન થાય એવું બને નહીં. (આ વાક્યમાં જરાય અતિશયોક્તિ નથી) આ નવલકથાના રોમાન્સમાં વ્યવહારો છે, પરિપક્વતા છે. એક ઉંમર બાદ માનવીમાં કેટલાક શારીરિક અને માનસિક ફેરફારો થાય છે, તેની ભાવનાઓ બદલાય છે પરંતુ તેની કેટલીક લાગણીઓ મનના ખૂણામાં ક્યાંક દટાઈ ગઈ હોય છે, તેને વ્યક્ત કરવી મુશ્કેલ થઈ જાય છે. જીવનના આ મુકામે તેના સંવેગો અભિવ્યક્ત થવા ફક્ત એક હડસેલાની જરૂર છે. એક સંવેગની અનુભૂતિ તેના મનમાં દટાઇ ગયેલા હજારો સંવેદનને પ્રજ્વલિત કરી શકે છે.
અંગારમાં રોમાન્સ ‘જો અને તો’નું કાર્ય કરે છે. જો જે-તે પાત્ર વચ્ચે આકર્ષણ કે સ્નેહ ન ઉપજયો હોત તો કદાચ ઘટનાઓ જે રીતે ઘટે છે એમ થઈ ન હોત. આખી નવલકથા અવનિશ, દાણચોરી, માલ-મિલકત, ખુનામારકી અને સંસ્થાની ઓળઘોળ ફર્યા કરે છે. છતાં તેના કેન્દ્રમાં છૂપી રીતે પ્રેમ અસ્તિત્વ ધરાવે છે. દેવરાજનો મિત્રા માટે, મહેન્દ્ર્નો ઇલા માટે, સરોજનો મોહન માટે, નાનજીનો પૈસા માટેનો પ્રેમ દર્શાવ્યો છે અને શચિનો પ્રેમ કોની કોની સાથે જોડાયેલો છે તે જાણવા તમારે નવલકથા વાંચવી જ રહી. તે ટૂંકમાં જણાવી શકાય એમ નથી. વિશેષ બીજા ઘણા પાત્રોના પ્રેમની વાત આ નવલકથામાં થઈ છે. છતાં આ નવલકથાને પ્રેમની નવલકથા કહી શકાય નહીં.
આ બહુ મોટી નવલકથા છે. આની પહેલા પણ મેં અશ્વિની સાહેબની કૃતિઓ વાંચી છે પણ આ કથામાં જે મુદ્દાઓની વાત થઈ છે, એ વાંચતાં ઘણીવાર હું પોતે જ મારી જાત સાથેના સેલ્ફ-ડિસ્કશનમાં ઉતરી ગયો હતો. સામાન્ય માન્યતાઓ અને મતમતાંતરોને પડકારે એવી બાબતો ખૂબ જ સ્વાભાવિક રીતે રજૂ કરવામાં આવી છે. જે ‘મોર્ડન’ કહેવાતી સંસ્કૃતિ છે, આજની તારીખમાં જે વિચારો લોકો નથી સ્વીકારી શકતા, અશ્વિની સાહેબે એ સમયમાં એવી જીવનશૈલી અને વ્યક્તિત્વોને રજૂ કરી દીધા છે. આ નવલકથા ૧૯૯૩માં લખાઈ છે, તેમાં રજૂ થયેલ વિચારો-રીતભાતો આજે પણ સામાન્ય લોકો માટે અસામાન્ય છે. એવી રીતભાતથી જીવવું એ વિચારમાત્રથી પણ આજનો સમાજ દૂર છે.
આ નવલકથા તમને મનોરંજન પૂરું પાડે એટલું જ નથી. આમાં બોધાત્મક જ્ઞાન છે. વ્યક્તિત્વોની હારમાળ છે. અવનીશની સાચી-ખોટી ફિલસૂફી છે. ‘ને અશ્વિની સાહેબનું સુગ્રથિત તર્કજ્ઞાન છે… આ કથા નથી ફક્ત એક સંસ્થાની પાછળ ચાલતા ગેરકાનૂની ધંધાઓની કે નથી કોઈ અમીર બાપના લાડકા દીકરાને પસંદ પડેલી વિધવા સ્ત્રીની... આ કથા છે અજ્ઞાનમાંથી ઉદભાવતા પાખંડની. આ કથા છે પ્રબુદ્ધતામાંથી પ્રજ્વલિત થતી અંધશ્રદ્ધાની. આ કથા છે માણસની માન્યતા પર રાખ પડી ગયેલા અંગારને પ્રગટ કરતી વાસ્તવિકતાના કિરણની...
કેમ આજે પણ અજ્ઞાન વિજય પામે છે? કેમ ધર્મની શ્રદ્ધાના નામે લોકો પાખંડનો ભોગ બને છે? આવી સર્વે વાતો અને બીજા આવા ઘણા સામાજિક મુદ્દાઓની વાત આ નવલકથામાં થઈ છે. હજુ પણ જનસામાન્ય માન્યતાઓ ૧૯૯૩માં અસ્તિત્વ ધરાવતી હતી એવી હાલમાં પણ છે, બદલાયો છે તો ફક્ત સમય અને ભૌતિક સુવિધાઓ પણ માનવીનું મન હજુ એવું જ રહ્યું છે.
Cons. આ નવલકથામાં આમ તો કોઈ નેગટીવ પોઈન્ટ છે નહીં પણ ભાગ 3નો જે આરંભ થાય છે એ જોતાં એવું લાગે છે કે ભાગ ૧ અને ૨ ના અંત જેવા જ હ્રદય થડકાવનારા કિસ્સાઓ બનશે. જોકે ચોક્કસ રીતે એવું થતું નથી. પણ વાસ્તવિકતા ભાગ ૩ના અંત જેવી જ હશે.
પાત્રો ૮.૧/૧૦🌟
વાર્તા ૮.૯/૧૦🌟
પ્રકૃતિ ૮.૪/૧૦🌟
ફિલસૂફી ૯.૦/૧૦🌟
શબ્દ પસંદગી ૯.૧/૧૦🌟
ઘટનાક્રમ ૭.૪/૧૦🌟
OVER ALL: 8.5🌟
-કિર્તિદેવ
